સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ

 

સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ

 

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) તેના અદ્યતન શહેરી આયોજન માટે જાણીતી છે, જેમાં ગ્રીડ-પેટર્ન (કાટખૂણે મળતા રસ્તાઓ) વાળા શહેરો અને અત્યાધુનિક ગટર વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ) નો સમાવેશ થાય છે. તેમનુ નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક નેટવર્ક પ્રારંભિક શહેરી કેન્દ્ર તરીકે તેની મુખ્ય ભૂમિકાને ઉજાગર કરે છે. આ લેખનો હેતુ IVC ની મુખ્ય લાક્ષણિકતાઓનો વિગતવાર અભ્યાસ કરવાનો છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે

  • સિંધુ ખીણની સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી, જે હાલના પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતમાં લગભગ 2500 બીસીઇની આસપાસ વિકસતી હતી.
  • તે તેના અદ્યતન શહેર આયોજન, અત્યાધુનિક ગટર વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ્સ) અને પ્રભાવશાળી સ્થાપત્ય સિદ્ધિઓ માટે જાણીતું છે. તે દક્ષિણ એશિયામાં પ્રારંભિક સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભું છે.
  • આ પ્રાચીન સભ્યતા તેના સુવ્યવસ્થિત શહેરો, પ્રમાણિત ઈંટ બાંધકામો અને ગતિશીલ વેપાર નેટવર્ક દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • શહેરી વિકાસ અને વેપારમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું યોગદાન ભવિષ્યની સંસ્કૃતિઓ માટે પાયાના પથ્થરનું કામ કરે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ

સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય લક્ષણો છે:

  • વી. ગોર્ડન ચાઈલ્ડે (V. Gordon Childe) હડપ્પા અને મોહેં-જો-દરો શહેરને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો કરનારા સૌથી પહેલા હતા.
  • તેમણે તેમને ક્રાંતિના પ્રતીકો તરીકે વર્ણવ્યા જેણે સમાજના ઉત્ક્રાંતિમાં એક નવા આર્થિક તબક્કાને ચિહ્નિત કર્યું.
  • તેમણે કહ્યું કે આ "શહેરી ક્રાંતિ" ન તો અચાનક હતી કે ન તો હિંસક. તે ક્રમશઃ સામાજિક-આર્થિક પરિવર્તન હતું.
  • જ્યારે સિંધુ સંસ્કૃતિએ સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિઓ, જેમ કે મેસોપોટેમીયાની સુમેરિયન સંસ્કૃતિ અને ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઘણી સામાન્ય વિશેષતાઓ વહેંચી હતી, ત્યારે તેની (સિંધુ સંસ્કૃતિની) પોતાની અલગ ઓળખ હતી.
  • એક નોંધપાત્ર બાબત એ પણ છે કે, એક મિલિયન ચોરસ કિલોમીટરથી વધુના ભૌગોલિક ફેલાવા સાથે, આ તેના સમયની સૌથી મોટી શહેરી સંસ્કૃતિ અને સભ્યતા હતી.
  • આ સંસ્કૃતિથી વિપરીત મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં, શાસકો માટે કોઈ ભવ્ય ધાર્મિક મંદિરો, ભવ્ય મહેલો અથવા અંતિમ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું ન હતું.

સિંધુ ખીણની સંસ્કૃતિની વહીવટી વ્યવસ્થા

  • સિંધુ ખીણની સંસ્કૃતિએ તેના શહેરી આયોજન અને માળખાકીય સુવિધાઓ દ્વારા અત્યંત સંગઠિત વહીવટનું પ્રદર્શન કર્યું હતું.
  • વિશાળ સ્નાનાગાર (ગ્રેટ બાથ) અને અનાજનાં કોઠાર (ગ્રેનરીઝ) જેવી મોટી જાહેર ઇમારતો સહિત શહેરોની જટિલ રચના, સત્તાનું કેન્દ્રીકરણ સૂચવે છે, જે તે સમયે સંકલિત શાસન પ્રણાલીનું અસ્તિત્વ હોવા તરફ નિર્દેશ કરે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું રાજકીય સંગઠન

  • સિંધુ ખીણની સંસ્કૃતિનું વિશાળ કદ અને માળખાકીય જટીલતાઓ, જેમ કે વિશાળ સ્નાનાગાર (ગ્રેટ બાથ) અને અનાજનાં કોઠાર (ગ્રેનરીઝ), વિસ્તૃત રસ્તાનું આયોજન અને ત્રુટિરહિત મોટા પાયે જોવા મળતી ગટર વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ), એક મજબૂત અને કેન્દ્રિય રાજનીતિ દ્વારા શક્ય બન્યું હોવાનું માનવામાં આવે છે.
  • ઘણી જગ્યાએ શહેરના કેન્દ્રમાં ઊંચાઈ પર આવેલા રહેઠાણો સૂચવે છે કે, મહત્વપૂર્ણ વ્યક્તિઓ, જેમ કે શાસક અને તેમનાં શાસન સહાયકો (કાઉન્સિલ મેમ્બર્સ) ત્યાં રહેતા હશે.
  • આ પ્રારંભિક સંસ્કૃતિઓમાં વિશિષ્ટ આર્થિક સંગઠન અને સામાજિક-સાંસ્કૃતિક એકતાએ ઈતિહાસકારોને આશ્ચર્યચકિત કર્યા છે, કારણ કે કારીગરીમાં અભિજાત્યપણુ માત્ર નેતાઓના આશ્રય હેઠળ જ પ્રાપ્ત થઈ શક્યું હોત.

સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન

  • પુરાતત્વવિદો મોર્ટિમર વ્હીલર અને સ્ટુઅર્ટ પિગોટના જણાવ્યા મુજબ, હડપ્પાના નગરોએ વિભાવનાની નોંધપાત્ર એકતા (unity of conception) દર્શાવી હતી.
  • આદિકાળમાં સ્થપાયેલ હોવા છતાં, સિંધુ ખીણના શહેરો ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં ગોઠવાયેલા શેરીઓ અને મકાનોની જાળીદાર રચના અભિગમ (grid pattern orientation) સાથે વિસ્તૃત નગર આયોજન દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
  • ઘરો, મંદિરો, અનાજ ભંડારો અને શેરીઓમાં જોવા મળતી સમાનતા નોંધપાત્ર હતી. દરેક શહેરને ઊંચા કિલ્લા અને નીચલા નગરમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. હડપ્પા, મોહેં-જો-દરો અને કાલીબંગન વસાહતોમાં પશ્ચિમ બાજુએ સિંધુ ખીણની સંસ્કૃતિનો કિલ્લો (citadel) અને પૂર્વમાં નીચલું શહેર હતું.
  • તેનાથી વિપરીત, ગુજરાતનાં લોથલમાં આંતરિક વિભાજન વિના ઈંટની દીવાલથી ઘેરાયેલી લંબચોરસ વસાહત હતી. હડપ્પા અને મોહેં-જો-દરોમાં અગ્નિમાં પકાવેલી ઈંટોનો ઉપયોગ થતો હતો, જ્યારે કાલીબંગનમાં માટીની ઈંટોનો ઉપયોગ થતો હતો.
  • ઈંટો પ્રમાણભૂત કદની, ઘન અને તડકામાં સૂકાયેલી હતી. કેટલીક જગ્યાઓ બાંધકામ માટે પત્થરોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
  • મોહેં-જો-દરોમાં સૌથી મહત્વપૂર્ણ જાહેર સ્થળ સ્નાનાગાર હતું, જેમાં સિટાડેલના ટેકરામાં એક ટાંકી, પગથિયાંની હરોળ અને કપડાં બદલવા માટે બાજુમાં નાના ઓરડાઓ હતા.આ સ્નાનાગારનું તળિયું બળી ગયેલી ઈંટો (પકવેલી ઈંટો) અને જીપ્સમથી પાણીચુસ્ત (જેમાથી પાણી બહાર નીકળી ન શકે તેવું) બનેલું હતું. [GCERT અનુસાર ફર્શ પર બીટુમીન કોલસાનું પ્લાસ્ટર]
  • મોહેં-જો-દરોમાં, અનાજનો કોઠાર સૌથી મોટી ઇમારત હતી, જ્યારે હડપ્પામાં છ અનાજના ભંડાર અને અનાજને છડવાં (કણસલાંમાંથી ઝૂડીને દાણા કાઢવા તે-થ્રેસીંગ પ્રોસેસ) માટેનાં કામનાં માળ હતા. હડપ્પામાં બે ઓરડાવાળી બેરેક (સિપાહીરૂમ) પણ મળી આવી છે.
  • મોહેં-જો-દરોની ગટર વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ) અદ્યતન હતી, જેમાં દરેક ઘરનું પોતાનું આંગણું અને બાથરૂમ હતું.
  • શેરીની ગટર મેનહોલથી સજ્જ હતી. કાલીબંગનમાં ઘણા ઘરોમાં તેમના સ્વતંત્ર કૂવા હતા. આથી કહી શકાય કે હડપ્પા જેટલો અન્ય કાંસ્ય યુગની સંસ્કૃતિએ આરોગ્ય અને સ્વચ્છતા પર ભાર મૂક્યો નથી.

સિંધુ ખીણની સંસ્કૃતિનું મહાન સ્નાનાગાર

  • સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્નાનાગાર એ મોહેં-જો-દરોના પુરાતત્ત્વીય સ્થળ પર જોવા મળેલાં સૌથી પ્રસિદ્ધ બાંધકામોમાંનું એક છે, જે લગભગ 2500 બીસીઇનું છે.
  • મોહેં-જો-દરોનાં  સિટાડેલના ટેકરામાં એક ટાંકી, પગથિયાંની હરોળ અને કપડાં બદલવા માટે બાજુમાં નાના ઓરડાઓ હતા.આ સ્નાનાગારનું તળિયું બળી ગયેલી ઈંટો (પકવેલી ઈંટો) અને જીપ્સમથી પાણીચુસ્ત (જેમાથી પાણી બહાર નીકળી ન શકે તેવું) બનેલું હતું. [GCERT અનુસાર ફર્શ પર બીટુમીન કોલસાનું પ્લાસ્ટર]
  • શુધ્ધ પાણી માટે કૂવાની તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળે છે.
  • સ્નાનાગારની ખાસ વિશેષતા એ છે કે, અહીથી સ્ટીએટાઈટમાંથી (શેલખડી) બનાવવામાં આવેલું માનવનું કમરનાં ભાગ સુધીનું પૂતળું મળી આવેલું છે. ઇતિહાસકારોના મતે આ પૂતળું પુરોહિતનું હોવું જોઈએ.
  • સિંધુ ખીણની સંસ્કૃતિના આ સ્નાનાગારનો ઉપયોગ ધાર્મિક સ્નાન માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે, જે તે સમયની ધાર્મિક અને સામાજિક પ્રથાઓમાં સ્વચ્છતા અને પાણીનું મહત્વ દર્શાવે છે.
  • ભારતમાં પવિત્ર સ્નાન નું જે મહત્વ આપણને દેખાય છે, તે લક્ષણ હડપ્પીય સભ્યતામાં પણ જોવા મળે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિના અનાજના ભંડાર

  • સિંધુ ખીણની સંસ્કૃતિના અનાજના ભંડાર વધારાના અનાજના સંગ્રહ માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવેલા વિશાળ માળખા હતા. તેઓ હડપ્પા અને મોહેં-જો-દરો જેવા શહેરોમાં જોવા મળ્યા હતા.
  • મોહેં-જો-દરોમાં, અનાજનો કોઠાર સૌથી મોટી ઇમારત હતી જે સ્નાનગરનાં પશ્ચિમ ભાગમાં આવેલો છે, જ્યારે હડપ્પામાં છ અનાજના ભંડાર અને અનાજને છડવાં (કણસલાંમાંથી ઝૂડીને દાણા કાઢવા તે-થ્રેસીંગ પ્રોસેસ) માટેનાં કામનાં માળ હતા. [GCERT અનુસાર રવિ નદીના કિનારે 12 જેટલા કોઠારો મળી આવ્યા છે. જવના નમૂના પણ અહીથી પ્રાપ્ત થયા છે. અનાજનાં સ્વરૂપમાં કર વસુલતા હોવા જોઈએ.]
  • સિંધુ ખીણની સંસ્કૃતિના અનાજના ભંડાર આ સંસ્કૃતિની અદ્યતન કૃષિ પદ્ધતિઓ અને ખાદ્ય સંસાધનોના કેન્દ્રીય વ્યવસ્થાપનને પ્રકાશિત કરે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનો કિલ્લો

  • સિંધુ ખીણની સંસ્કૃતિનો રાજગઢ (સિટાડેલ) ઊંચા પ્લેટફોર્મ પરનો કિલ્લેબંધીવાળો વિસ્તાર હતો. તે વહીવટ અને સંભવતઃ ધાર્મિક પ્રવૃત્તિઓ માટેના કેન્દ્ર તરીકે સેવા આપતો વિસ્તાર હતો.
  • સિંધુ ખીણની સંસ્કૃતિનો રાજગઢ (સિટાડેલ) સંસ્કૃતિના અદ્યતન શહેરી આયોજન અને સામાજિક સંગઠનને પ્રતિબિંબિત કરે છે, જે તેના શાસન અને સાંસ્કૃતિક પ્રથાઓમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું આર્થિક જીવન

  • કૃષિની સ્થિર પ્રણાલી, પશુપાલન, શિકાર અને છોડ એકત્રીકરણ દ્વારા, શહેરી નેટવર્કને પૂરક આર્થિક પોષણ પૂરું પાડે છે. વેપાર અને વાણિજ્ય તેમના અર્થતંત્રના મહત્વપૂર્ણ ભાગો હતા.
  • સોના, ચાંદી અને હીરા જેવી વિવિધ વસ્તુઓની આયાત કરવામાં આવી હતી અને તૈયાર ઘરેણાં, હસ્તકલા અને રમકડાંની નિકાસ કરવામાં આવી હતી.
  • સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કપાસની ખેતીમાં અગ્રણી હતા. ગ્રીક લોકો સિંધુ ખીણની સંસ્કૃતિને ‘સેન્ડેન’ અથવા કપાસની ભૂમિ કહેતા હતાં. મોહેં-જો-દરોમાં સુતરાઉ કાપડનાં અવશેષ મળી આવ્યા છે.
  • તેઓ માછીમારીથી પરિચિત હતાં. કેમકે, માછલાં પકડવાનાં તાંબાનાં હૂક પણ અહીથી મળી આવ્યા છે.
  • લોથલનો ધક્કો (બંદરગાહ-ડોકયાર્ડ) પણ લાંબા અંતરના વેપારના અસ્તિત્વ હોવાની સાક્ષી આપે છે.
  • લોથલ અને તેની આસપાસનાં વિસ્તારોમાં કપાસ, કાર્નેલિયન અને અકીક તેમજ શેલખડીનું ઉત્પાદન સવિશેષ થતું હોવાનું મનાય છે.
  • કાલિબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી.
  • કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતાં.   
  • અફઘાનિસ્તાનનાં બદક્ષાંમાંથી લાપીઝલાઝુલી (વૈદર્ય મણિ) જેવાં કિંમતી પથ્થરોની આયાત થતી જ્યારે ચાનહૂદડોમાંથી પથ્થરનાં મણકાની નિકાસ થતી.
  • ઈરાની અખાતનાં ઓમાન, બહેરીન, સુસા, કિશ તથા મેસોપોટેમિયાનાં ઉર જેવાં બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો. સુસા, ઉર તથા મેસોપોટેમિયાનાં શહેરોમાંથી બે ડઝન જેટલી હડપ્પીય મુદ્રાઓ મળી આવી છે.
  • મેસોપોટેમિયાથી હડપ્પીય સભ્યતામાં આવતી ચીજવસ્તુઓમાં તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાંની ચીજવસ્તુઓ તથા ચાંદીનો જ્યારે મેસોપોટેમિયામાં નિકાસ થતી વસ્તુઓમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો, અકીકનો સમાવેશ થાય છે.

સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાણીઓનું પાળવું (Domestication of Animals)

  • જો કે હડપ્પાના લોકો મુખ્યત્વે ખેડુત હતા, તેઓ મોટા પાયે પ્રાણીઓને પણ ઉછેરતા હતા. પાળેલા  પ્રાણીઓમાં બળદ, ભેંસ, ઊંટ, ગધેડા, બકરા, ભૂંડ, ઘેટાં, કૂતરા અને બિલાડીઓનો સમાવેશ થાય છે.
  • બળદ, ભેંસ, ઊંટ અને ગધેડા પરિવહન અને ખેતી માટે બોજારૂપ પશુઓ તરીકે સેવા આપતા હતાં. જ્યારે બકરા, ડુક્કર અને ઘેટાંનો ઉપયોગ રાંધણ હેતુઓ (દૂધ તથા માંસ) માટે કરવામાં આવતો હતો, તેમના હાડકાં ઘણી વસાહતોમાં જોવા મળે છે. કૂતરા અને બિલાડીઓને પાળતુ પ્રાણી તરીકે રાખવામાં આવ્યા હતા, જે વસાહતોમાં મળી આવેલા તેઓના પગલાંના નિશાનો દ્વારા સાબિત થાય છે.
  • ખૂંધવાળો  બળદ ખાસ કરીને વધુ જોવા મળે છે. આ ઉપરાંત વસાહતોમાં મળેલા ગેંડા અને હાથીઓના હાડકાઓ સૂચવે છે કે તેઓનો શિકાર કરીને તેનું સેવન કરવામાં આવ્યું હશે. કાલીબંગન ખાતેના અગ્નિના ખાડાઓમાં પ્રાણીઓને સંડોવતા ધાર્મિક બલિદાનના પુરાવા મળે છે.
  • ઘોડાના અવશેષો મુખ્યત્વે હડપ્પન સ્થળોમાંથી ગેરહાજર છે, બંદરીય શહેર સુરકોટડામાં માત્ર થોડા જ અવશેષો અને લોથલ અને બાણાવલીમાંથી શંકાસ્પદ ટેરાકોટાની મૂર્તિ મળી છે.
  • હડપ્પન સંસ્કૃતિ ઘોડા કેન્દ્રિત ન હતી. મેસોપોટેમીયાના શહેરોથી વિપરીત, ગુજરાતમાં હડપ્પાના લોકો ચોખા ની ખેતી કરતા અને હાથીઓ પાળતા હતાં.

સિંધુ ખીણની સંસ્કૃતિની ખેતી

  • અગાઉના સમયમાં, સિંધુ પ્રદેશ વનસ્પતિથી ભરપૂર હતો અને નોંધપાત્ર વરસાદ પડતો હતો, જે તેની કૃષિ સમૃદ્ધિમાં ફાળો આપતો હતો.
  • સિંધુ નદીના વાર્ષિક પૂરથી નવો કાંપ પથરાવાને કારણે પ્રદેશની ફળદ્રુપતા ફરીથી નવીનતા ધારણ કરતી હોવી જોઈએ.
  • સિંધુ ખીણના લોકોએ વર્ષનાં અંતમાં બીજ વાવતા હશે અને જ્યારે નદીનું પાણી ઓછું થઈ જાય, ત્યારે તેઓએ જવ અને ઘઉંની લણણી કરતાં હોવા જોઈએ.
  • તેઓ ખેતી અને લણણી માટે હળ અને પથ્થરનાં દાંતરડાનો ઉપયોગ કરતા હતા. જ્યારે સિંચાઈ મુખ્યત્વે વરસાદ આધારિત હતી, ત્યારે નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવ્યા હતાં. કૂવા દ્વારા સીંચાઈની વ્યવસ્થા પણ જોવા મળે છે. જોકે નહેર દ્વારા સિંચાઈના કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી.
  • હડપ્પન સ્થળોએ ઘઉંની બે જાતો વારંવાર જોવા મળે છે. તેઓએ ખજૂર, સરસવ, તલ અને વટાણા જેવા કઠોળના છોડ પણ ઉગાડ્યા. અનાજનો સંગ્રહ કરવા માટે હડપ્પા અને મોહેં-જો-દરો જેવા શહેરોમાં અનાજનાં કોઠારો બાંધવામાં આવ્યાં હતાં, જે સંભવતઃ ખેડૂતો પાસેથી કર તરીકે વસૂલવામાં આવતાં અનાજનો સંગ્રહ કરવા તથા સંગ્રહિત અનાજને વેતન ચૂકવણી માટે વાપરતા હશે.
  • સિંધુના લોકો કપાસનું ઉત્પાદન કરનારા સૌથી પહેલા હતા અને રાજસ્થાનમાં કાલીબંગન ખાતે એક ખેડાણવાળા ખેતરની શોધ થઈ છે.
  • રાઈ અને શેરડીથી તેઓ પરિચિત હતાં.
  • ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાનાં કારણે કૃષિનો પૂરતો વિકાસ થયાનાં અવશેષો પ્રાપ્ત થયા છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનો વેપાર અને વાણિજ્ય

  • મોટાભાગના હડપ્પન શહેરોને તેમના ઉત્પાદિત અંતિમ ઉત્પાદનો માટે વધુ કાચા માલની જરૂર હતી.
  • ચલણનો કોઈ ખ્યાલ નહોતો, અને વેપાર વિનિમય પદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવતો હતો. હડપ્પાના લોકો કાચા માલ માટે તૈયાર માલની આપ-લે કરતા હતા.
  • હડપ્પન અન્ય વિશ્વ સંસ્કૃતિઓ, જેમ કે મેસોપોટેમીયા અને ઈજીપ્ત, તેમજ સ્થાનિક સમુદાયો અને સમકાલીન આદિવાસીઓ સાથે વેપારમાં રોકાયેલા હતા.
  • તેઓ રાજસ્થાન, કર્ણાટક, અફઘાનિસ્તાન અને ઈરાનમાં આવેલી વસાહતો સાથે વ્યાપારી સંબંધો ધરાવતા હતા અને મધ્ય એશિયા સાથે વેપારની સુવિધા આપતી ઉત્તર અફઘાનિસ્તાનમાં વેપારી વસાહતની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાનનાં અસંખ્ય મુદ્રા અહીથી મળી આવ્યા છે.
  • હડપ્પન લોકોએ લાંબા અંતરના વેપારમાં ભાગ લીધો જેમાં લાઝુલીનો સમાવેશ થતો હતો અને કાલીબંગન, ચાન્હુ-દરો અને લોથલમાં શેલ વર્ક (શંખ-છિપમાંથી આભૂષણો બનાવવાં), બંગડી બનાવવાની અને મણકા બનાવવાની ફેક્ટરીઓની સ્થાપના કરી હતી.
  • આ નોંધપાત્ર નિકાસ હતી. ઈ.સ. પૂર્વે લગભગ 2300 આસપાસના મેસોપોટેમિયનાં લેખોમાં સિંધુ પ્રદેશનું પ્રાચીન નામ મેલુહા સાથેના વેપાર સંબંધોનો ઉલ્લેખ મળી આવે છે.
  • હડપ્પાની મુદ્રા અને અન્ય સામગ્રી મેસોપોટેમીયામાં મળી આવી છે, જે સુમેરિયા, બેબીલોન અને ઈજીપ્ત સુધી વેપારનો વિસ્તાર હોવાનું દર્શાવે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિના વજન અને માપ

  • સતત વેપાર વિનિમયને કારણે, સમાન વજન અને માપની જરૂરિયાત ઊભી થઈ. પરિપક્વ હડપ્પન તબક્કા દરમિયાન હડપ્પવાસીઓએ આને પ્રમાણિત કર્યું. અસંખ્ય મેસોપોટેમીયાના નળાકાર મુદ્રા પણ હડપ્પન સ્થળો પર મળી આવ્યા છે.
  • વજન પ્રણાલી મુખ્યત્વે 16 ના ગુણાંક પર આધારિત હતી (દા.ત., 16, 64, 160, 320 અને 640). હડપ્પન મેટ્રિક સિસ્ટમનો આધાર 16 હતો.
  • હડપ્પન આ હેતુ માટે લાકડીઓનો ઉપયોગ કરીને માપન કળાનો અભ્યાસ કરતા હતા. આવી અનેક લાકડીઓ ઉત્ખનન દરમિયાન મળી આવી છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની પરિવહન વ્યવસ્થા

  • ઘણા વેપાર વિનિમય સાથે, માલના સરળ અને ઝડપી પરિવહનની જરૂરિયાત ઊભી થઈ.
  • ચક્રના વિકાસ અને બળદ અને આખલાઓનાં પાળવા સાથે, પરિવહનની પદ્ધતિ પગથી ગાડાં અને રથમાં બદલાઈ ગઈ.
  • માલની હેરફેર પણ ઊંટો અને ગધેડા પર કરવામાં આવતી હતી, જે બોજાવાહક જાનવરો હતા.
  • દરિયા દ્વારા લાંબા અંતરના વેપાર માટે, જહાજનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. મુદ્રા પર જહાજનાં નિરૂપણનાં પુરાવા મળ્યા હતા.
  • લોથલ ખાતેથી જહાજ નિર્માણ કરવાનો વાડો મળી આવ્યો છે.
  • નદીઓનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ થતો હશે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું સામાજિક જીવન

  • પુરાતત્વીય તારણો, જેમ કે શિલ્પો, મૂર્તિઓ અને મુદ્રા, સિંધુ ખીણની સંસ્કૃતિના સામાજિક જીવનને ઉજાગર કરી શકે છે.
  • તેમનો સમાજ બે જૂથોમાં વહેંચાયેલો હતો:

(1)  ઉચ્ચવર્ગનાં અથવા શાસક વર્ગનાં લોકો જે કિલ્લેબંધ ઉપલા નગરમાં રહેતાં.

(2)  વેપારી તથા નિમ્ન વર્ગનાં લોકો કે જેઓ નીચલા નગરમાં રહેતા હતા.

  • અહી અનેક વ્યાવસાયિક જૂથો જેમ કે, પૂજારી, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો જોવા મળ્યા છે.
  • મકાનો પરથી અલગ અલગ લોકોનો વસવાટ સ્પષ્ટ થાય છે જેમાં ખાસ કરીને તાંબાનું કામ કરનાર, મોતીનું કામ કરનાર અને કીમતી પથ્થરોનું કામ કરનાર કારીગરોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી છે.
  • ધનવાનો, કારીગરો અને મજૂરોના મકાન એવા ત્રણ વિભાગ પાડી શકાય છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની સામાજિક પ્રકૃતિ

  • તે એક સમાનતાવાદી સમાજ હતો, કારણ કે પૂતળાં પુરુષ અને સ્ત્રી બંને સ્વરૂપોની આગવી ઓળખ દર્શાવે છે.
  • કેટલીક મૂર્તિઓમાં, દાઢીવાળા પુરુષોને સ્ત્રીની પોશાક પહેરીને દર્શાવવામાં આવે છે, જે પુરુષો અને સ્ત્રીઓ માટે સંભવિત સમાન દરજ્જો સૂચવે છે.
  • સિંધુ ખીણનાં લોકો પુરુષ અને સ્ત્રી બંને દેવતાઓની પૂજા કરતા હતા. મોહેં-જો-દરોના ખોદકામમાં પુરુષ દેવતા પશુપતિ અથવા શિવની મુદ્રા તેમજ માતા દેવીની મૂર્તિ મળી આવી છે.
  • ઇજિપ્તની સંસ્કૃતિથી અલગ, જ્યાં પુત્રીએ રાણીનું સ્થાન લીધું હતું, સિંધુ ખીણના પ્રદેશો માટે આવી કોઈ ઉત્તરાધિકારી અંગે માહિતી પ્રાપ્ત થતી નથી.
  • આમ, સમાજની પ્રકૃતિ- પછી ભલે એ પિતૃસત્તાક સમાજ હોય કે માતૃસત્તાક સમાજ- એ બાબત અહી અનિર્ણાયક રહે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનો ખોરાક

  • ઉત્ખનન સિંધુ ખીણની સંસ્કૃતિના ખાદ્યપદાર્થો વિશે થોડી માહિતી પૂરી પાડે છે, કારણ કે કોઈ સ્પષ્ટ પુરાવા હાજર નથી. ઉત્ખનન કરાયેલા સ્થળોએ જે અવશેષો મળ્યા છે તેના પરથી જ તેમની ખાણીપીણીની આદતો વિશે આપણે બહુ ઓછું અનુમાન લગાવી શકીએ છીએ.
  • ખોરાકની પસંદગી પ્રદેશ-વિશિષ્ટ હતી. પંજાબ અને સિંધમાં સિંધુ ખીણનાં લોકો માટે ઘઉં અને જવ મુખ્ય ખોરાક હતા. ગુજરાતના સિંધુ ખીણનાં લોકો બાજરી પસંદ કરતા હતા અને રાજસ્થાનના લોકો જવને પસંદ કરતા હતા.
  • તેઓ તલ, સરસવ અને ભેંસ, ઊંટ, ઘેટાં અને બકરા જેવા પાળેલા પ્રાણીઓમાંથી ચરબી અને તેલ પૂરા પાડતા હતા. ફળોની પસંદગીનો અંદાજ જુજુબનાં બીજ અને ખોદકામમાં મળેલ ખજૂરનાં અવશેષો પરથી લગાવી શકાય છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની દફનવિધિ

  • માનવ જૂથોમાં દફનવિધિ એક નિર્ણાયક ધાર્મિક પ્રવૃત્તિ હતી. સિંધુ ખીણનાં લોકો તેમના મૃતકોને ઉત્તર-દક્ષિણ દિશામાં દફનાવતા હતા, મૃતદેહોને તેમની પીઠ પર મૂકતા હતા.
  • એવું માનવામાં આવે છે કે સિંધુ ખીણનાં લોકો મૃત્યુ પછીના જીવનમાં માનતા હતા, અને તેથી ઘણા વાસણો મૃતકો સાથે રાખવામાં આવ્યા હતા.
  • મૃતકની સ્થિતિના આધારે, વિવિધ લેખો દફન સ્થળ પર મૂકવામાં આવ્યા હતા, જે સિંધુ ખીણનાં સમાજમાં વ્યાપ્ત સામાજિક સ્તરીકરણને પ્રતિબિંબિત કરે છે.
  • સામાન્ય રીતે, સિંધુ ખીણની કબરો ઈંટ અથવા પથ્થર-રેખિત લંબચોરસ અથવા અંડાકાર ખાડાઓ સ્વરૂપની  હતી. શરીરને સામાન્ય રીતે દફનાવવામાં આવતું હતું, કપડાં પહેરાવવામાં આવતાં હતાં, કફન ઓઢાડવામાં આવતું હતું અથવા લાકડાની શબપેટીમાં મૂકવામાં આવતું હતું.
  • વાસણોની સાથે, મૃતદેહોને દાગીના સાથે દફનાવવામાં આવ્યા હતા, જેમ કે શેલ અને સ્ટીએટાઈટ મણકામાંથી બનેલી બંગડીઓ. પુરુષો સામાન્ય રીતે કાનની બુટ્ટી પહેરતા હતા, અને સ્ત્રીઓમાં જોવા મળતા તાંબાના અરીસાઓ લિંગ-વિશિષ્ટ કબર હોવાનું સૂચવે છે.
  • સિંધુ ખીણની દફનવિધિઓ ઇજિપ્તની અથવા મેસોપોટેમીયન સંસ્કૃતિની જેમ ભવ્ય ન હતી, અને હડપ્પીય સ્થળોમાં કોઈ ભવ્ય કબરો મળી ન હતી.
  • દફનવિધિમાં વિવિધતાઓ હતી: કાલીબંગનમાં, નાના ગોળાકાર ખાડાઓ જેમાં હાડપિંજરના અવશેષો વગરની મોટી ભઠ્ઠીઓ મળી આવી છે, જેમાંથી માટીના વાસણો મળી આવ્યા છે, જે સૂચવે છે કે મૃતકોને બાળી નાખવામાં આવ્યા હશે.
  • લોથલમાં, કેટલાક દફન સ્થળોએ સ્ત્રી અને પુરુષ બંનેને એકસાથે દફનાવવામાં આવેલા છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ (Script)

  • હડપ્પાની લિખિત લિપિને હજુ પણ સમજવાની જરૂર છે. જો કે તેને તમિલ અને સુમેરિયન જેવી સંસ્કૃત અને દ્રવિડિયન ભાષાઓ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમ છતાં નિર્ણાયક પરિણામો હજુ સુધી પ્રાપ્ત થયા નથી.
  • પ્રાચીન મેસોપોટેમીયનોની જેમ, હડપ્પન લોકોએ લેખનની કળાની શોધ કરી હતી પરંતુ ઇજિપ્તવાસીઓ અથવા મેસોપોટેમીયનોની જેમ લાંબા શિલાલેખો બનાવ્યા ન હતાં. મોટાભાગના શિલાલેખો મુદ્રા પર રેકોર્ડ કરવામાં આવ્યા હતાં અને તેમાં માત્ર થોડા જ શબ્દો હતાં.
  • તેમની લિપિ બુસ્ટ્રોફેડોન 'Boustrophedon' હતી. જેનો અર્થ થાય છે, “વિરુદ્ધ દિશામાં લખવામાં આવતી વૈકલ્પિક રેખાઓ”. આ લિપિમાં માત્ર ચિત્રાંકનો (પિક્ટોગ્રાફ્સ) નો સમાવેશ થતો હતો, જેમાં લગભગ 250 થી 400 ચિહ્નો મળી આવ્યા હતા.
  • આ લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હશે તેમ જણાય છે. જો કે તેમની ભાષા સંદર્ભે કોઈ જાણકારી મળતી નથી.
  • સિંધુ ખીણની લિપિ સિંધુ ખીણની સંસ્કૃતિ માટે સ્વદેશી હોવાનું માનવામાં આવે છે જેનો અન્ય સમકાલીન સંસ્કૃતિઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.

સિંધુ ખીણની સંસ્કૃતિની ધાર્મિક પ્રથાઓ

  • ઘણા લેખિત ઈતિહાસ સાથે, સિંધુ ખીણની સંસ્કૃતિના ધર્મ, માન્યતાઓ અને પ્રથાઓને નક્કર રીતે નક્કી કરવી સરળ બને છે.
  • હડપ્પીય સભ્યતાનાં લોકો વૃક્ષ અને મૂર્તિપૂજાનાં ઉપાસક હોય તેવા અવશેષો મળી આવ્યા છે.
  • તેઓ લિંગ અને યોનિની પૂજા-ઉપાસના કરતાં હોવાનું પણ જણાય છે.
  • હડપ્પા સંસ્કૃતિમાં લોથલ અને કાલીબંગન પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પડે છે. આ બે સ્થળેથી યજ્ઞવેદીઓ મળી આવી છે જે યજ્ઞનાં કામમાં આવતી હોવી જોઈએ.
  • આ યજ્ઞવેદીઓમાંથી રાખ અને હાડકાઓ મળી આવ્યાં છે. તે હવનકુંડ હોવાનું જણાય છે. લોથલ અને કાલીબંગન સિવાય આની કોઈ સ્થળોએથી આવા હવનકુંડ મળ્યા નથી.
  • હડપ્પા સંસ્કૃતિના ઉત્ખનન કરાયેલ પૂતળાં, મુદ્રા અને યજ્ઞ વેદીઓ પરથી અત્યાર સુધી ધર્મ અંગે એકમાત્ર આટલું જ જ્ઞાન પ્રાપ્ત થયું છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની ધાર્મિક વિધિઓ

  • વિદ્વાનો માને છે કે સ્નાનાગાર જેવી કેટલીક રચનાઓનું ઔપચારિક મહત્વ હોઈ શકે છે.
  • સ્નાનાગાર એ વિશાળ સ્નાન વ્યવસ્થા સાથેનું વિશાળ માળખું છે. તે પૂજારીઓ અથવા મુખ્ય પૂજારીઓનું સામૂહિક નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે. અન્ય માળખાઓ જેવાં કે નાના નાના ઓરડાઓ તેની આસપાસ આવેલાં છે. જે સામૂહિક વિધિ વખતે કપડાં બદલવા માટે વપરાતાં હોવાનું મનાય છે.
  • હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટવાની અને તેનો અગ્નિસંસ્કાર કરવાની-એમ બંને રીતો પ્રચલિત હતી.
  • તેઓ મૃતકને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવી તેનું માથું ઉત્તરમાં રહે તેવી રીતે દાટતા હતાં.
  • તેમની સાથે માટીનાં વાસણો પણ રાખતા તો કેટલીક કબરોમાં બંગડી, મોતી, તાંબાના દર્પણ જેવી ચીજ વસ્તુઓ મળી આવી છે, જેથી તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હોય તેમ લાગે છે.
  • લોથલમાં મળી આવેલી કબરમાં એક સાથે બે વ્યક્તિઓને દફનાવવામાં આવેલી છે.
  • કાલીબંગનમાં પ્રતિકાત્મક રીતે દફનાવવાનાં પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યાંની એક કબરમાંથી વાસણો મળી આવ્યા છે પરંતુ કોઈ માનવનું હાડપિંજર મળી આવ્યું નથી. એનો અર્થ એ થયો કે અહીંયા પ્રતિકાત્મક રીતે શબને દફનાવી પછી તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો હશે.

સિંધુ ખીણની સંસ્કૃતિના દેવતાઓ

  • હડપ્પાના ખોદકામમાં ઘણી ટેરાકોટાની મૂર્તિઓ અને મુદ્રા મળી આવ્યા હતા, જે સૂચવે છે કે હડપ્પન સમાજમાં, મોટાભાગની મૂર્તિઓ અને મુદ્રામાં મુખ્ય દેવતાઓ આદ્ય-શિવ અને માતા દેવી હતા.

આદિશિવ (પ્રોટો શિવ)

  • સિંધુ ખીણના ઉત્ખનનમાં મળી આવેલી ઘણી મુદ્રાઓમાં, એક પુરુષદેવતા બેઠા છે. તેમનાં માથા પર ભેંસનાં જેવા શિંગડાવાળો મુગટ પહેરેલા તેઓને યોગિક મુદ્રામાં બેઠેલા બતાવવામાં આવ્યા છે.
  • બકરા, હાથી, વાઘ અને કાળિયાર જેવા પ્રાણીઓની આકૃતિ દેવતાની આસપાસ જોવા મળે છે તો કેટલીક મુદ્રામાં, તેમના શિંગડાની વચ્ચે અંકુરિત છોડ ઉભરતો દેખાય છે.
    • સર જ્હોન માર્શલ તેમને પશુપતિ (પ્રાણીનો ભગવાન) અથવા આદ્ય શિવ (આદિશિવ) તરીકે ઓળખાવે છે.
  • મોટાભાગે મુદ્રાઓ પર પુરૂષ દેવતાની આકૃતિ મળી આવે છે. ભગવાનને ત્રણ શિંગડાવાળા માથા છે અને તે યોગીની જેમ એક પગ બીજા પર મૂકીને બેઠેલા છે.
  • ભગવાન હાથી, વાઘ અને ગેંડાથી ઘેરાયેલા છે અને ભેંસ તેમના સિંહાસનની નીચે છે.
    • તેના પગ પાસે બે હરણ દેખાય છે.
  • અન્ય મુદ્રામાં, દેવતા પીપળના ઝાડની ડાળીઓ વચ્ચે નગ્ન અવસ્થામાં ઊભા છે. મુદ્રામાં યોગિક આકૃતિની સાથે સાપ પણ જોવા મળે છે.
    • શિવનું ચિહ્ન (લિંગ) હડપ્પાની કેટલીક વસાહતોમાંથી મળી આવ્યું છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની માતૃ દેવી

  • હડપ્પાના ખોદકામમાં મોટી સંખ્યામાં ટેરાકોટાની મૂર્તિઓ મળી આવી છે.
  • સ્ત્રીની આકૃતિઓ મોટાભાગે વિશાળ કમરબંધ, લંગોટી, ગળાના હાર અને પંખાના આકારનો માથે મુગટ સાથે દર્શાવવામાં આવે છે. કેટલાક પૂતળાઓમાં, શિશુઓ સાથે સ્ત્રીની આકૃતિઓ બતાવવામાં આવે છે.
  • નોંધનીય રીતે, એક મુદ્રા પર સ્ત્રીને તેના ગર્ભમાંથી છોડ ઉગાડતી દર્શાવવામાં આવી છે, જે વિદ્વાનો સૂચવે છે કે હડપ્પાના લોકોમાં તે માતૃદેવી તરીકે પ્રચલિત હશે.
  • આ નિરૂપણ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતી (ધરતીમાતા) અને પ્રજનનક્ષમતાની દેવી તરીકે પૂજાતી દેવીનું પ્રતીક બની શકે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની વૃક્ષ પૂજા

  • હડપ્પામાંથી ઘણી મુદ્રા ખોદવામાં આવી છે,જેમાં પીપળાનાં ઝાડની ડાળીઓ વચ્ચે રહેલી મૂર્તિ દર્શાવે છે.
  • વિદ્વાનો આને હડપ્પાનાં લોકો દ્વારા પૂજવામાં આવતી વૃક્ષ આત્માઓ હોવાનું માને છે. ઘણી મુદ્રામાં, આ આત્માને અન્ય લોકો દ્વારા પૂજવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
  • કેટલીક મુદ્રામાં, એક પ્રાણીને વૃક્ષની સામે દર્શાવવામાં આવ્યું છે. એક મુદ્રામાં, શિંગડાવાળી આકૃતિ સહિત સાત આકૃતિઓ પીપળના ઝાડની સામે ઊભી છે.
  • વિદ્વાનોના મતે, શિંગડાવાળી આકૃતિ આદિ-શિવ હોઈ શકે છે, અને સાત આકૃતિઓ ભારતીય પૌરાણિક કથાઓના સાત મહાન ઋષિઓ અથવા માતાઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રાણીઓની પૂજા

  • હડપ્પા સંસ્કૃતિ દરમિયાન, બળદ, વાઘ, ગેંડા, બકરા, હાથી અને કાળિયાર જેવા ઘણા પ્રાણીઓની પૂજા કરવામાં આવતી હતી.
  • આ બાબત અસંખ્ય ટેરાકોટાનાં બનેલા પૂતળાંઓ અને મુદ્રા પરથી સ્પષ્ટ થાય છે જે ઉત્ખનનમાં મળી આવ્યા હતા.
  • ઘણી સંયુક્ત પ્રાણી અને માનવ મુદ્રાઓ મળી આવી છે, જે આ પ્રાણીઓની પૂજાનું નિરૂપણ કરી શકે છે.
  • કેટલીક મુદ્રામાં મનુષ્યોના ભાગો સાથે પ્રાણીઓની રજૂઆતો દર્શાવવામાં આવી છે, જેમ કે નરસિંહ, એક ભારતીય પૌરાણિક આકૃતિ જેમાં માનવના શરીર પર સિંહના માથાનો ભાગ છે.
  • સૌથી નિર્ણાયક મુદ્રામાં એક શિંગડાવાળું શૃંગાશ્વ (ઘોડાનું શરીર અને કપાળ પર એક શિંગાડવાળું કલ્પિત પ્રાણી) છે, જે કદાચ હાલનાં ગેંડા જેવું પ્રાણી હોવું જોઈએ. જ્યારે ખૂંધવાળો આખલો પણ નોંધપાત્ર છે.
  • વધુમાં, મુદ્રા પરની ઘણી આકૃતિઓ ઘેટાં, બળદ અને હાથીના ભાગોને જોડીને સંયુક્ત જીવોનું નિરૂપણ કરે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિની અગ્નિ વેદીઓ (યજ્ઞ વેદીઓ)

  • કાલીબંગન ખાતેના હડપ્પાનાં લોકો દ્વારા વિવિધ ધાર્મિક પ્રથાઓનું પાલન કરતાં હોવાનાં પુરાવાઓ મળી આવ્યા છે.
  • સિટાડેલમાં ઊભેલા ઈંટના પ્લેટફોર્મ પર ઈંટ-રેખિત ખાડાઓની શ્રેણી મળી આવી છે.
  • તેમાં રાખ અને પ્રાણીઓના હાડકાં હોય છે. કેટલાક વિદ્વાનો આને અગ્નિ વેદીઓ (યજ્ઞ વેદીઓ) તરીકે વર્ગીકૃત કરે છે.
  • કિલ્લાનો આ ભાગ એક ધાર્મિક કેન્દ્ર હતો જ્યાં અગ્નિ વિધિઓ થતી અને પ્રાણીઓનાં બલિદાન આપવામાં આવતાં હતાં.
  • ઘણાં ઘરોમાં પણ આ અગ્નિ વેદીઓ મળી આવી છે. આમાંથી કેટલીક અગ્નિ વેદીઓ લોથલમાં પણ જોવા મળી છે. મોટી સંખ્યામાં તાવીજ પણ મળી આવ્યા છે.
  • હડપ્પન કદાચ માનતા હતા કે ભૂત અને દુષ્ટ શક્તિઓ તેમને નુકસાન પહોંચાડી શકે છે અને તેમની સામે તેઓ તાવીજનો ઉપયોગ કરતાં હશે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું વિજ્ઞાન અને ટેકનોલોજી

  • હડપ્પા સંસ્કૃતિ તેના સમય કરતા ઘણી આગળ હતી, તે સાબિત કરે છે કે તેણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશાળ પ્રગતિ કરી છે.
  • કાંતણ અને વણાટની કળા, ધાતુશાસ્ત્ર, શિલ્પ બનાવવાની મીણની તકનીક (the lost-wax technique of making sculptures), અને ઘરેણાં બનાવવાની - આ બધી પ્રવૃત્તિઓ વિજ્ઞાન અને તકનીકની તેમની મેળવેલી સમજને દર્શાવે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું ધાતુશાસ્ત્ર

  • હડપ્પાના લોકો ધાતુશાસ્ત્રનું અદ્યતન જ્ઞાન ધરાવતા હતા અને તેઓ સંપૂર્ણ રીતે કાંસ્ય બનાવી શકતા હતા. નર્તકીની મુર્તિ (10.5 સેમી ઊંચાઈ) એ એક પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકૃતિ છે જે કાંસ્ય શિલ્પમાં શ્રેષ્ઠ કૃતિ છે, જે તેની જટિલ વિગતો માટે નોંધપાત્ર છે. ગળાનો હાર અને બંગડીઓ સિવાય, આકૃતિને નગ્ન તરીકે દર્શાવવામાં આવી છે.
  • થોડા હડપ્પન પથ્થરની શિલ્પો (સ્ટીએટાઈટ પથ્થરનાં બનેલાં) મળી આવી છે, જેમાં ડાબા ખભા પર સુશોભિત ઝભ્ભો અને માથાના પાછળના ભાગમાં ટૂંકા વાળને વ્યવસ્થિત બાંધી રાખતી વણાંટ કામ કરેલી પટ્ટીનો સમાવેશ થાય છે.
  • કાંસ્ય માટે કાચો માલ સ્થાનિક રીતે સહેલાઈથી ઉપલબ્ધ ન હતો; રાજસ્થાનનાં ખેતડીની તાંબાની ખાણોમાંથી તાંબુ મેળવવામાં આવતું હતું અને ટીન અફઘાનિસ્તાનમાંથી આવતું હતું.
  • હડપ્પન સમાજમાં કાંસ્ય કારીગરો એક નિર્ણાયક જૂથ હતા. તેઓએ ધાતુના મિશ્રણ, કાસ્ટિંગ અને કાંસ્ય શિલ્પો બનાવવા માટેની અન્ય અત્યાધુનિક તકનીકોમાં તેમની કુશળતા દર્શાવી.

સિંધુ ખીણની સંસ્કૃતિની અન્ય હસ્તકલા

  • હડપ્પાના નગરોમાં અન્ય કેટલીક મહત્વપૂર્ણ હસ્તકલાનો વિકાસ થયો હતો. મોહેં-જો-દરોમાંથી વણાયેલા કાપડનો ટુકડો મળી આવ્યો છે અને અનેક વસ્તુઓ પર કાપડની છાપ મળી આવી છે. કાંતણ માટે તકલીઓ (Spindle whorls) નો ઉપયોગ થતો હતો.
  • પુષ્કળ ઈંટનું બંધારણ સૂચવે છે કે ઈંટ મૂકવી એ એક મહત્વપૂર્ણ હસ્તકલા હતી. હડપ્પા લોકો પણ હોડી બનાવવાની કલા પણ જાણતાં હતા.
  • મુદ્રા બનાવવી અને ટેરાકોટાનું ઉત્પાદન પણ આવશ્યક હસ્તકલાઓ હતી. માટીકામ પણ એક પ્રખ્યાત વ્યવસાય હતો.

સિંધુ ખીણની સંસ્કૃતિનું માટીકામ

  • હડપ્પાનાં લોકો કુંભારના ચાકડાથી પરિચિત હતાં અને તેમણે નોંધપાત્ર માટીકામનું ઉત્પાદન કર્યું હતું.
  • સિંધુ ખીણની સંસ્કૃતિનાં માટીનાં વાસણો વિવિધ રંગોમાં બનાવવામાં અને રંગવામાં આવ્યા હતાં. તેમાં પ્રકૃતિની સુંદર રચનાઓ જેમ કે વૃક્ષો, પક્ષીઓ, માછલીઓ અને પ્રાણીઓ, માણસોની છબીઓ અને ભૌમિતિક આકાર, જેમ કે વર્તુળો અને રેખાઓ હતી.
  • સિંધુ ખીણની સંસ્કૃતિના માટીકામ ઘણા આકારમાં હતા, જેમ કે બેઠક (pedestals), પ્યાલાઓ, છિદ્રિત નળાકાર વાસણો અને વિવિધ વાટકાઓ અને થાળીઓ.

સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રા

  • સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રા એ તેમની સૌથી મોટી કલાત્મક રચનાઓ હતી.
  • લગભગ 2000 જેટલી મુદ્રાઓ મળી આવી છે; આમાંથી મોટા ભાગની મુદ્રાઓ એક શિંગડાવાળા ઘોડા,ખૂંધવાળો બળદ, ભેંસ, વાઘ, ગેંડા, બકરા અને હાથીના ચિત્રો સાથે ટૂંકા શિલાલેખ ધરાવે છે.
  • વેપારીઓ વેપાર હેતુઓ માટે સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રાનો ઉપયોગ કરતા હતા.

સિંધુ ખીણની સંસ્કૃતિના ટેરાકોટા પૂતળાં

  • અહીથી અગ્નિથી પકવેલી માટીની ઘણી મૂર્તિઓ મળી આવી છે, જેને સામાન્ય રીતે ટેરાકોટા કહેવામાં આવે છે. આનો ઉપયોગ રમકડાં તરીકે અથવા પૂજાની વસ્તુઓ તરીકે થતો હતો.
  • તેઓ પક્ષીઓ, કૂતરા, ઘેટાં, ઢોર અને વાંદરાઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. સ્ત્રી-પુરુષોનાં પૂતળાઓ પણ ઘણી જગ્યાએથી મળી આવ્યાં છે.
  •  સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રા અને છબીઓ કુશળતાપૂર્વક બનાવવામાં આવી હતી, પરંતુ ટેરાકોટાના ટુકડાઓ બિનઅનુભવી (અણઘડ) કલાત્મક કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે.

 હડપ્પન અને સમકાલીન સંસ્કૃતિની સરખામણી

હડપ્પા સંસ્કૃતિ

મેસોપોટેમીયા અને સુમેરિયાની સંસ્કૃતિઓ

હડપ્પન સંસ્કૃતિએ શતરંજ આકાર (ચેસબોર્ડ સિસ્ટમ), શેરીઓ, ડ્રેનેજ પાઈપો અને શોષ ખાડાઓ સાથેના શહેરોની યોજના બનાવી છે.

મેસોપોટેમીયાના શહેરો આડેધડ વૃદ્ધિ દર્શાવે છે.

તમામ હડપ્પન સ્થળોએ ઈંટોથી બનેલા બાથરૂમ અને કુવાઓ સાથેના લંબચોરસ ઘરો, તેમની  સાથે સીડીઓ પણ જોવા મળે છે.

પશ્ચિમ એશિયાના શહેરોમાં આવું ટાઉન પ્લાનિંગ જોવા મળતું નથી.

નોસોસમાં ક્રેટ (crete in Knossos) ટાપુ સિવાય અન્ય કોઈ પ્રાચીન સંસ્કૃતિએ આવી ઉત્તમ ગટર વ્યવસ્થા બનાવી ન હતી.

પશ્ચિમ એશિયાના લોકોએ હડપ્પાની જેમ પકવેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવી કુશળતા દર્શાવી ન હતી.

હડપ્પન સંસ્કૃતિમાં તેમના લાક્ષણિક માટીકામ અને સીલનું ઉત્પાદન થતું હતું.

તે સ્થાનિક પ્રાણી વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે.

હડપ્પન સંસ્કૃતિ કાંસ્ય યુગીન હોવા છતાં, તેઓ મર્યાદિત ધોરણે કાંસ્યનો ઉપયોગ કરતા હતા અને મોટાભાગે પથ્થરના ઓજારોનો ઉપયોગ કરવાનું રાખતા હતા.

કાંસા અને પથ્થરોનો ઉપયોગ ચાલુ રહ્યો.

હડપ્પન સંસ્કૃતિ જેટલાં વિશાળ વિસ્તારમાં કોઈ સમકાલીન સંસ્કૃતિ ફેલાયેલી ન હતી.

તે હડપ્પન સંસ્કૃતિ કરતા પણ નાનું છે

ચોરસ, લંબચોરસ અને ગોળાકાર મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નળાકાર મુદ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોઈ કબરો મળી નથી

કબરો મળી આવી હતી

નિષ્કર્ષ

સિંધુ ખીણની સંસ્કૃતિ તેના અદ્યતન શહેર આયોજન, પ્રમાણિત ઈંટ બાંધકામો અને અત્યાધુનિક ગટર વ્યવસ્થા સાથેની અગ્રણી શહેરી સંસ્કૃતિ હતી. ભવ્ય મહેલો અને કબરોનો અભાવ હોવા છતાં, ધાતુશાસ્ત્ર, હસ્તકલા અને વેપારમાં તેની સિદ્ધિઓ નોંધપાત્ર હતી. જ્યારે તેમની લિપિ અને ધાર્મિક પ્રથાઓ સહિત તેમના સમાજના ઘણા પાસાઓ રહસ્યમય રહે છે, ત્યારે શહેરી વિકાસ અને આર્થિક વેપારમાં તેમનો વારસો દક્ષિણ એશિયાના પ્રારંભિક ઇતિહાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. હડપ્પાની નવીનતાઓ અને સંસ્થાએ ભાવિ સંસ્કૃતિઓ માટે પાયાના દાખલાઓ સ્થાપિત કર્યા. 

Comments