day 1 : 15 ઓગસ્ટ 1947 ભારત પહેલા કેવી રીતે આઝાદ થયું ગિલગીટ - બાલટિસ્ટાન ?


ભારતની આઝાદી ની ગાથા : રિડર બિરાદરો આ સિરીઝ માં 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું એમના 15 દિવસ અગાઉ એટલે કે 1 ઓગસ્ટ 1947 થી 15 ઓગસ્ટ 1947 સુધીના સમયગાળા દરમિયાન ઘટેલી જે ઘટનાઓ છે એમનાથી અહીં આપણે માહિતગાર થઈશું. આ સમગ્ર સિરીઝમાં આપણે ભૂતકાળને વર્તમાન બનાવીને જોવાના છીએ. આપણે એ પણ જોઈશું કે કેવી રીતે કઈ પરિસ્થિતિની અંદર રાજનેતાઓ દ્વારા કેવા નિર્ણયો લેવાયા અને આ નિર્ણયોમાં જો થોડા ફેરફાર કર્યા હોત તો પરિણામો શું આવત? એની માત્ર આપણે કલ્પના જ કરી શકીએ. આશા રાખું છું કે આપ સૌ વાચક મિત્રોને આ સિરીઝ રસપ્રદ લાગશે. તમારા કિંમતી સૂચનો આવકાર્ય છે. 


દિવસ : પ્રથમ

15 ઓગસ્ટ 1947 ભારત પહેલા કેવી રીતે આઝાદ થયું ગિલગીટ - બાલટિસ્ટાન ? 

1 ઓગસ્ટ 1947 ની સવાર


આ લેખ શા માટે વાંચશો?
આઝાદી પહેલાની ઘટનાઓને સમજવા માટે?

 1 ઓગસ્ટ, 1947ના રોજ શું થયું?

 પંજાબ બાઉન્ડ્રી ફોર્સ કેમ બનાવવામાં આવી, તેનું શું થયું?

 હરિસિંહ કેમ નહોતા ઈચ્છતા કે ગાંધીજી કાશ્મીર જાય?

આજની (1 ઓગસ્ટ, 1947) સવાર કંઈક અલગ આશાઓ અને શંકાઓથી ભરપૂર છે. આશા એ કે ગુલામીના થોડા જ દિવસો બાકી છે. પછી આપણી પાસે આપણું પોતાનું રાજ હશે. આપણી પોતાની આઝાદી હશે. પરંતુ, શંકા એ કે તે આઝાદી માટે અત્યાર સુધી જે કિંમત ચૂકવી છે, તે પર્યાપ્ત છે? શું હજુું કંઈ જોવાનું બાકી છે? શું હજું કુરબાની આપવી પડશે?


 આજની સવારમાં માત્ર ખુશી જ હોવી જોઈતી હતી, પરંતુ અહીં તો શંકાઓ અપેક્ષાઓ ઉપર છવાયેલી જોવા મળી રહી છે. બેચેની, ઉત્તેજના અને એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ વાતાવરણને ભારે અને અસહ્ય બનાવી રહ્યો છે. મારું અખંડ ભારત રમખાણોની જ્વાળામાં સળગી રહ્યું છે. અરેેરેરે... આ શુું? પંજાબમાં તો સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અંગ્રેજ અધિકારીઓ તો ક્યારનાય સમજી ગયા છે કે, ભાગલા થશે તો પોલીસ દેશ અને ધર્મનું જ ધ્યાન રાખશે. લાહોર, પંજાબ, બલૂચિસ્તાનમાં થતી હત્યાઓને રોકવી મુશ્કેલ બનશે. આ આગથી સામાન્ય લોકોને બચાવવા માટે અલગ ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, જે દળ બનાવવામાં આવશે તેમાં હિંદુ, મુસ્લિમ અને શીખ ત્રણ ધર્મના હશે. આ દિવસે એટલે કે 1 ઓગસ્ટ, 1947ના રોજ 11 પાયદળના નવા દળની રચના કરવામાં આવી હતી જેેેેને નામ આપવામાં આવ્યું 'પંજાબ બાઉન્ડ્રી ફોર્સ'.


 બ્રિગેડિયર અયુબ ખાન, બ્રિગેડિયર સુબૈયા થિમૈયા, બ્રિગેડિયર દિગંબર બદર અને બ્રિગેડિયર નાસિર અહેમદને પંજાબ બાઉન્ડ્રી ફોર્સની કમાન સોંપવામાં આવી છે. જો તમે મારી સાથે સમયમાં થોડું આગળ જોશો તો તમે જોશો કે બ્રિગેડિયર અયુબ ખાન પાછળથી પાકિસ્તાનના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા. બ્રિગેડિયર થિમૈયાએ 1957માં ભારતીય સેનાનું નેતૃત્વ પણ કર્યું હતું. અને બ્રિગેડિયર નાસિર અહેમદ તે છે જેમને 1965ના યુદ્ધમાં કેદી તરીકે કેદ કરી લેવામાં આવ્યા હતા. પરમવીર અબ્દુલ હમીદ તેમની ( નાસિર અહેમદ) બ્રિગેડ ટેંકનો જ નાશ કરશે.

        (ગાંધીજી લાહોર રેલવે સ્ટેશન પર,1947)

ચાલો પાછા આજ (1 ઓગસ્ટ 1947) પર આવી જઈએ. પંજાબ બાઉન્ડ્રી ફોર્સમાં લગભગ 50 હજાર સૈનિકો છે. આ ફોર્સે લાહોરમાં કામચલાઉ હેડક્વાર્ટરથી કામ શરૂ કરી દીધું છે. અવિભાજિત પંજાબ, સિંધ, બલૂચિસ્તાન, લાહોરમાં બાઉન્ડ્રી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે જ્યારે સ્થિતિ બેકાબૂ બનશે ત્યારે તો લાહોરમાં બાઉન્ડ્રી ફોર્સના હેડક્વાર્ટરને પણ સળગાવી દેવામાં આવશે. પાકિસ્તાનની રચના બાદ આ દળનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે.

આજની તારીખમાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી બીજી મોટી ઘટના બની છે. 1935માં, ગિલગિટ અને બાલ્ટિસ્તાનને અંગ્રેજોએ હરિ સિંહ પાસેથી 60 વર્ષની લીઝ પર લઈ લીધા હતા. લીઝ તો કહેવા માટે હતી પરંતુ વાસ્તવમાં તો અહીં બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો. બંને દુર્ગમ વિસ્તારો હતા. અંગ્રેજોએ પોતાની પકડ જાળવી રાખવા માટે મોટી રકમ ખર્ચવી પડી હતી. બીજા વિશ્વયુદ્ધે બ્રિટનની હાલત ખરાબ કરી દીધી, તેથી અંગ્રેજોએ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાંથી છૂટકારો મેળવવાનો નિર્ણય કર્યો જેથી કેટલાક ખર્ચમાં ઘટાડો કરી શકાય. આવી સ્થિતિમાં, 1 ઓગસ્ટના રોજ અંગ્રેજો તરફથી લીઝ રદ કરવામાં આવી હતી અને બે વિસ્તારો હરિસિંહને પરત કરવામાં આવ્યા હતા. ગિલગિટ સ્કાઉટ કે જે અહીં નું રક્ષક દળ હતું તે પણ હરિસિંહને આપવામાં આવ્યું હતું. હરિસિંહે બ્રિગેડિયર ઘંસારાને અહીંના ગવર્નર બનાવ્યા.

બ્રિટિશ મેજર વિલિયમ બ્રાઉન અને મેજર બાબર ખાન ગિલગિટ સ્કાઉટમાં સર્વોચ્ચ અધિકારીઓ હતા. રાજા હરિ સિંહે તેમને બદલ્યા નથી, પરંતુ તેઓ ભૂલ કરી રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે આગળ શું થશે. જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થશે, ત્યારે થોડા દિવસો પછી મેજર વિલિયમ અને મેજર બાબર ગવર્નર બ્રિગેડિયર ઘંસારાની હત્યા કરીને બળવો કરશે.


1 ઓગસ્ટના રોજ, જ્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાન આઝાદ થઈ રહ્યા છે, ત્યારે મહાત્મા ગાંધી કાશ્મીરની તેમની પ્રથમ મુલાકાતે છે. જો કે, કાશ્મીરના મહારાજા હરિ સિંહ ગાંધીજી આવે તેવું ઈચ્છતા ન હતા. તેમણે માઉન્ટબેટનને પત્ર પણ લખીને પ્રવાસ રદ કરવાની વિનંતી કરી હતી. આના ત્રણ કારણો હતા. પ્રથમ, વિભાજનના માર્ગે ચાલી રહેલા ભારત અને પાકિસ્તાન બંને કાશ્મીરને પોતાની સાથે જોડવા માંગતા હતા. બીજું કારણ નેશનલ કોન્ફરન્સના નેતા શેખ અબ્દુલ્લા હતા, જેઓ એક વર્ષ જેલમાં હતા અને ત્રીજું કારણ કાશ્મીરના વડા પ્રધાન રામચંદ્ર કાક હતા.

હરિ સિંહનો વિરોધ કરવા બદલ શેખ અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે જવાહરલાલ નેહરુ અને કાક વચ્ચે ઝઘડો ચાલતો હતો. નેહરુની શેખ અબ્દુલ્લા સાથે સારી મિત્રતા હતી. હરિસિંહની અનિચ્છા છતાં ગાંધીજી કાશ્મીર આવ્યા અને અહીં એક શેઠ સાથે રહ્યા. આ શેેઠ  અબ્દુલ્લાની નજીક છે. છતાં હરિસિંહે ગાંધીજીને પત્ર મોકલ્યો છે. જેમાં ગાંધીજીને રાજ નિવાસમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાજા હરિ સિંહ સાથેની મુલાકાત માટે 3 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. મીટિંગમાં શું થશે તે માટે તમારે 3 ઓગસ્ટે જવું પડશે. બસ બે દિવસ રાહ જુઓ, આપણે એ દિવસ પણ જોઈશું.

હવે કાશ્મીરથી કોલકાતા જઈએ. માફ કરજો, કલકત્તા. અહીં પણ ભારે ધમાલ છે. લગભગ 40 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા શરદ ચંદ્ર બોઝે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સમાજવાદી રિપબ્લિકન આર્મીના નામથી પોતાની પાર્ટી બનાવી છે. શરદચંદ્ર સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ છે. કેટલાક અખબારોએ સમાચાર પ્રકાશિત કર્યા કે 40 વર્ષનો આ સંબંધ તૂટવાનું કારણ કલકતામાં ફેલાયેલા રમખાણો છે.


              (શરદચંદ્ર બોઝ)

જો કે, જ્યારે તમે આ ઘટનાને ઈતિહાસકારોના લખાણોમાં જોશો, તો કેટલાક અન્ય કારણો પણ જાણવા મળશે. કેટલાક ઈતિહાસકારો માને છે કે આ ખાટાપણાનું કારણ 1937ની પ્રાંતીય ચૂંટણીમાં છુપાયેલું છે. 54 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી. કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગને 37-37 બેઠકો મળી હતી. શરદચંદ્રએ પ્રસ્તાવ મૂક્યો કે કૃષક પ્રજા પાર્ટી સાથે સંયુક્ત સરકારની રચના કરવી જોઈએ. નેહરુ આ બાબતે સહમત ન હતા. પછી કૃષક પ્રજા પાર્ટીએ મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી. એ.કે. ફઝલુલ હક બંગાળના વડાપ્રધાન બન્યા. એ સમયે રાજ્યોમાં મુખ્યમંત્રીને બદલે વડાપ્રધાન હતા. ફઝલુલને 'બંગાળ ટાઈગર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. બે વર્ષ પછી જ્યારે સુભાષચંદ્ર બોઝ ત્રિપુરીના જબલપુર ખાતેના સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઊભા હતા ત્યારે નેહરુના કટાક્ષે આ અંતર વધારી દીધું હતું.


 ફઝલુલની સરકાર દરમિયાન 1946માં બંગાળમાં ઘણા રમખાણો થયા હતા. જુલાઈ 1947 ની આસપાસ, કલકતાના કેટલાક વિસ્તારોમાં ફરી આવી જ સ્થિતિ બની. માનવામાં આવે છે કે આનાથી નારાજ થઈને શરદચંદ્રએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે, અત્યાર સુધીમાં શરદચંદ્ર અને નેહરુ વચ્ચેની ખટાશ જાણીતી બની ગઈ છે. આ ખટાશ પણ રાજીનામાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

1લી ઓગસ્ટ.... ભારતમાં બની રહેલી ભીષણ અને તીવ્ર ઘટનાઓનો આ દિવસ હવે સાંજમાં ઢળવા લાગ્યો હતો. પંજાબમાં સંપૂર્ણપણે આગ અને હિંસાનું શાસન હતું. રાત્રિના એ ભયંકર અંધકારમાં પંજાબ, સિંધ, બલુચિસ્તાનના સેંકડો ગામડાઓમાંથી ઉઠતી આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 58,000 સ્વયંસેવકો સમગ્ર પંજાબમાં  હિંદુ-શીખોના બચાવમાં રાત-દિવસ એક કરતા હતા. એ જ રીતે બંગાળની સ્થિતિ પણ ઝડપથી અરાજકતા તરફ આગળ વધી રહી હતી.

 સ્વતંત્રતા અને તેની સાથે વિભાજન, હવે માત્ર ચૌદ દિવસ દૂર હતા!

Comments