ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રાષ્ટ્ર ધ્વજ આપણા રાષ્ટ્રગીત સાથે બીજા દેશોના ધ્વજ કરતા ઉંચો થઈ રહ્યો હોય. રાષ્ટ્રગીત પૂર્ણ થતાની સાથે જ તાળીયોનો ગળગળાટ.. ટેલિવિઝન સેટ પર આ દ્રશ્ય જોતા રુંવાડા પણ ઉભા થઈ જાય અને આંખમાં હરખની હેલી પણ હોય.. સામાન્યથી ખાસ વ્યક્તિ ખુદ હિન્દુસ્તાની હોવાનું ગર્વ કરે… જીતના મંચ પર સૌથી ઉંચા પોડિયમ પર એથ્લીટ ઉભો હોય અને દેશનો રાષ્ટ્રધ્વજ બીજા કરતા ઉંચો જઈને સ્થાપિત થાય ત્યારે દુનિયા પર થાય છે ફતેહ../ આ ક્ષણ હોય છે દુનિયાને આપણું વર્ચસ્વ દેખાડવાની, આપણી બાદશાહત પૂરવાર કરવાની, ખેલના મેદાન પર જો તમે તાકાત ન દેખાડી શક્યા તો દુનિયા તમને સુપર પાવર નહીં માને.
સુપર પાવર તેને મનાય છે જે દેશ સામાજીક, આર્થિક અને ટેકનિકલ દ્રષ્ટીએ મજબૂત હોય. તાકાતવર અને આધુનિક સૈન્ય શક્તિ હોય. જે દેશની વાત દુનિયા સાંભળે અને જે દેશના એથ્લિટ મેદાન પર પણ બાજી મારે. જે દેશો સુપર પાવર મનાય છે તે સ્પોર્ટ્સમાં પણ પાવર હાઉસ છે. રશિયા અને અમેરિકાનું ઉદહારણ આપણી સામે છે અને ચીન સુપર પાવર બનવાના રસ્તે છે. સુપર પાવર બનવા માટે જ ચીને સ્પોર્ટ્સ જગતમાં દબદબો બનાવવાનું શરૂ કર્યું અને સ્પોર્ટ્સ પાછળ હજારો કરોડનું બજેટ ખર્ચ્યું. અમુક વસ્તુઓના દમ પર આપણે સુપર પાવર બનવાના સપના જોઈ રહ્યાં છીએ. પરંતુ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતવામાં આપણે 112 વર્ષ લાગી ગયા. સવાસો કરોડના દેશમાં મેડલ ટેલીમાં માત્ર ખાતુ ખુલવાથી આપણે ઝૂમી ઉઠીએ છીએ.આ વાત બાજુ પર મૂકી દેવી જોઈએ..
મનાય છે કે અમુક વસ્તુઓમાં આપણે પહેલાથી જ મજબૂત નથી. પરંતુ આ વાત જાપાન અને ચીન જેવા દેશ ખોટી સાબિત કરી ચૂક્યાં છે. વિશ્વ સ્તરની સુવિધાઓ નથી. આવા એક્સક્યુઝ આફ્રિકાના એથ્લીટ ખોટી પાડી રહ્યાં છે. શાકાહરી ખોરાકના કારણે આપણે માસાહરી કરતા કમજોર છીએ.. એ વાત કાર્લ લુઈસ અને એડવિન મોજેજના 11 ઓલિમ્પિક ગોલ્ડે ખોટી સાબિત કરી. કડવું સત્ય તો એ છે કે આપણા દેશમાં રમત ગમત ક્યારેય સંસ્કૃતી બની જ નથી. લખી-વાંચી અને ભણીને નવાબ બનો, સ્પોર્ટ્સમાં જશો તો કારકિર્દી બગાડશો. સદીઓ જૂની આ માનસીકતા આજે પણ નથી બદલી. બદલાય પણ ક્યાંથી. દેશમાં રમત ગમત કરિયરનો વિકલ્પ છે જ નહીં..
Sportsમાં ભારતની નિષ્ફળતા વિશે ચીનના તારણો
2016ની રિયો ઓલિમ્પિક બાદ ચીનના સરકારી મીડિયાએ ઓલિમ્પિકમાં ભારતની નિષ્ફળતા પર આર્ટીકલ લખી નાંખ્યો. ચાઈનીઝ મીડિયા પ્રમાણે સુવિધાઓનો અભાવ, ખરાબ સ્વાસ્થ્ય, ગરીબી, છોકરીઓને રમત ગમતથી દૂર રાખવી, માતા પિતાએ બાળકોને ડોક્ટર-એન્જીનીયર બનવા પ્રેરિત કરવા, ક્રિકેટની લોકપ્રિયતા, હોકીની અવગણના, ગ્રામ્ય વિસ્તારમાં ઓલિમ્પિક અંગે જાણકારીનો અભાવ.. વગેરે કારણો વિશ્વના બીજા નંબરના વસ્તી ધરાવતા દેશને ઓલિમ્પિકમાં ઝીરો બનાવે છે. ચેમ્પિયન્સ રાતોરાત તૈયાર નથી થતા. એક સર્વે અનુસાર પ્રતિ વ્યક્તિ ઈનકમ અને જનસંખ્યામાં તાલમેલ બેસતો હોય તો ખેલાડી તૈયાર કરવામાં આસાની પડે. રમત ગમતના મેદાન પર કોઈ દેશની આર્થિક મજબૂતીનો સંકેત છે.
આ સિવાય જે દેશમાં મહિલાઓ પ્રત્યે સમાનતા અને સશક્તિકરણ હોય તે દેશમાંથી ચેમ્પિયન્સ વધારે નિકળે. કોઈ મોટી ઈવેન્ટની યજમાની કરવાથી પણ દેશમાં રમત ગમત માટેનો માહોલ તૈયાર થાય છે. શું આઝાની આટલા વર્ષો બાદ પણ આપણો દેશ આ રસ્તે ચાલી શક્યો છે અથવા તો પ્રયત્ન કર્યો છે?
દેશમાં સ્કુલના સ્તરથી ખેલાડીઓ ત્યાં સુધી સામે નહીં આવે, જ્યાં સુધી સ્પોર્ટ્સને શિક્ષણના બરાબર મહત્વ નહીં મળે. જ્યાં સુધી સ્પોર્ટ્સને દેશમાં કરિયર માટે વિકલ્પ નહીં બનાવવામાં આવે. જરૂરિયાત તો એવી છે કે દરેક સ્કુલના દરેક ક્લાસમાં એક સેક્શન હોય, જેમાં એવા વિદ્યાર્થીઓને રાખવામાં આવે જેની રુચી સ્પોર્ટ્સમાં વધુ હોય. આ બાળકોને સ્કુલમાં જ વિશ્વસ્તરની સુવિધા મળે, વિશ્વ સ્તરના કોચ મળવા જોઈએ, પોષ્ટિક આહાર મળવો જોઈએ. યોગ્ય વ્યક્તિને સ્કોલરશીપ પણ મળવી જોઈએ. આ સિવાય ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓ કે સ્પોર્ટ્સમેન માટે નૌકરીની ખાસ વ્યવસ્થા પણ હોવી જોઈએ. એટલું મુશ્કેલ પણ નથી, કેમકે રમત જગતના પાવર હાઉસ મનાતા તમામ દેશોમાં આ જ સિસ્ટમ ચાલે છે.
Sports ક્ષેત્રે ભારતમાં પ્રતિભા અઢળક છે પણ..
ગ્રામ્ય અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પ્રતિભા અઢળક છે. આર્થિક અને સામાજીક રીતે પાછળ રાખેલો આ વર્ગ સ્પોર્ટ્સના માધ્યમથી પોતાની કિસ્મત બદલવા માટે તૈયાર બેઠો છે, પણ હાથ કોણ લંબાવે? તીરંદાજ દિપીકા કુમારી, બોક્સર મેરીકોમ, આવા અમુક લોકોને તક મળી.. તો તેનું સુખદ પરિણામ પણ આપણે જોયું. કદાચ આપણે આ વાત સમજી નથી શક્યા. કોર્પોરેટ લોબીએ આગળ આવીને પોતાની એકેડમીમાં પ્રતિભાશાળી ખેલાડીઓને ચેમ્પિયન બનાવવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ આ તમામ ભૂમિકા આમતો સરકારની છે. શીખ માટે ચીનનું જ ઉદહારણ લઈ લો.
દેશના આંતરીક કારણોસર ચીન 1952થી 1980 સુધી ઓલિમ્પિકમાં ભાગ ન લઈ શક્યું. ચીને 1984માં ઓલિમ્પિકમાં વાપસી કરી અને છેલ્લા 24 વર્ષમાં ચીને એ કરી બતાવ્યું જે વિશ્વનો કોઈ દેશ કરી નથી શક્યો. 1936 બાદ ઓલિમ્પિકમાં અમેરિકા અને રશિયાના વર્ચસ્વને તોડનાર ચીન પહેલો દેશ બન્યો. 2001માં ચીનને 2008ના બીજિંગ ઓલિમ્પિકની યજમાની મળી. આ આઠ વર્ષમાં ચીને પોતાની પૂરે પૂરી તાકાત યજમાનીમાં લગાડી દીધી, જેના માટે ચીને સરકારી સ્તર પર કામ કર્યું.
સૌથી પહેલા એ રમતોને પસંદ કરી, જેમાં ચીન પોતાનો દમખમ દેખાડવામાં સક્ષમ હતુ. આ યોજનાને નામ અપાયું પ્રોજેક્ટ-119. ટ્રેક એન્ડ ફિલ્ડ. સ્વિમિંગ રોઈંગ અને સેલિંગ જેવી રમતોમાં 119 મેડલનો ટાર્ગેટ રખાયો અને બાદમાં શરૂ થઈ ચેમ્પિયન ખેલાડીઓની તલાશ. યોજના બની, ફંડિગ થયું, ત્યારબાદ ટ્રેનિંગ. ટ્રેનિંગ એટલી મુશ્કેલ હતી, ઘણી વખત ખેલાડીઓ પર યાતનાઓ વિતિ રહી હોવાના આરોપ પણ લાગ્યા.
એથ્લિટ્સ પર ચીને અંદાજે ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યાં. પૈસાની પરવાહ કર્યાં બાદ દુનિયાના બેસ્ટ કોચ બોલાવાયા. જેમાં 38 વિદેશી કોચ સામેલ હતા. આ પ્રોજેક્ટ માટે વિદેશમાં વરસેલા ચીની નાગરીકોએ પણ ખુબ પૈસા મોકલ્યાં. એ રિપોર્ટ અનુસાર ચીને એક મેડલ માટે અંદાજે 74 કરોડ ખર્ચ કર્યાં. બીજિંગની યજમાની પહેલા 2004ની એથેન્સ ઓલિમ્પિકમાં જ ડ્રેગન દસ્તક દઈ ચૂક્યું હતુ. 2004માં ચીન 32 ગોલ્ડ મેડલ સાથે અમેરિકા બાદ બીજા ક્રમે રહ્યું..
બીજિંગ ઓલિમ્પિકમાં ભારતના એક સામે ચીનના 51 ગોલ્ડ મેડલ વચ્ચે સૌથી મોટુ અંતર સાબિત થયું. પ્રસાય અને મહેનતમાં ઈમાનદારી અને પ્રતિબદ્ધતા. ચીને 25 અલગ અલગ ગેમ્સમાં 100 મેડલ જીત્યાં. બીજિંગ બાદ લંડનાં પણ ચીને દેખાડી દીધું કે બીજિંગનું પ્રદર્શન ન તો તુક્કો હતો, કે ન તો અપવાદ. 2016ની રિયો ઓલિમ્પિકમાં ચીન 26 ગોલ્ડ સહિત 56 મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું. તો ટોક્યો ઓલિમ્પિકમાં 38 ગોલ્ડ સહિત 88 મેડલ સાથે બીજા ક્રમે..
ભારતની સ્થિતિ શું છે?
કટ ટુ ઈન્ડિયા આપણા કેમ્પ્સની મૂળભૂત સુવિધા. ટ્રેનિંગની સિસ્ટમ અને સૌથી જરૂરી ડાયટની જમીની હકિકત શોભા ડેને ખબર હોત તો ભારતીય એથ્લિટ્સની મજાક ન ઉડાવી હોત. રાજકારણ અને ભ્રષ્ટાચાર દેશના દરેક અંગને ચૂસી રહ્યાં છે. દેશના દરેક સ્પોર્ટ્સ ફેડરેશનમાં રાજકારણીઓ અને બિઝનેસમેનનો કબ્જો છે.. જેને સ્પોર્ટ્સથી દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી.. રમત ગમતના સંઘોમાં મેળ વગરના અને અમુક અધિકારીઓની દખલગીરીનું પરિણામ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ભોગવવું પડે છે. અધિકારીઓની અંદરખાને ખેંચતાણ અને લાભ લેવાની લાલચના કારણે જ આઈબાએ 2012માં જ દેશના બોક્સિંગ ફેડરેશનની માન્યતા રદ્દ કરી નાંખી. ચાર વર્ષથી નેશનલ ફેડરેશન ન હોવાના કારણે એક પણ નેશનલ લેવલની કમ્પીટીશન પણ ન યોજાઈ. પ્રતિબંધના કારણે ભારતનો કોચિંગ સ્ટાફ વિદેશમાં કોઈ બાઉટમાં પણ સામેલ ન થઈ શક્યો. જેનું પરિણામ સૌની સામે છે. રિયોમાં ભારતના ત્રણેય જ બોક્સર ક્વોલિફાય થઈ શક્યાં. જોકે, ઓલિમ્પિક માટે એક એડ હોક બોક્સિંગ પેનલને આઈબાએ માન્યતા આપી. જેના કારણે ભારતીય બોક્સરો તિરંગાના નેજા હેઠળ રિયોમાં ભાગ લઈ શક્યાં. ટોક્યોમાં ગરીબ પરિવારમાંથી આવતી લવલિનાએ બોક્સિંગમાં મેડલ જીતી ફરી સાબિત કર્યું કે દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી, બસ મોકો મળવો જોઈએ.
અમુક તારણોમાં એ પણ સામે આવ્યું છે કે જાતિ પ્રથા પણ દેશમાં ગેમ્સને પાછળ ધકેલવા પાછળ મુખ્ય કારણ છે. ગ્રુપ ગેમ્સમાં ઘણી વખત ઉચ્ચ નીચી જાતીના ખેલાડી અને દલિત-આદિવાસીઓ ખેલાડીઓ હળીમળી શકતા નથી. આ સિવાય પ્રદેશવાદનું રાજકારણ પણ ટીમના સિલેક્શનમાં હાવી રહે છે. રાંચી અને ઓડિસામાંથી પણ હોકીમાં સારી ટેલેન્ટ બહાર આવે છે. પરંતુ નેશનલ ટીમમાં પંજાબ લોબીનો દબદબો રહે છે. નવાઈ લાગે જે કહેવાતી રમત હોકીમાં ટોક્યોમાં ભારતીય મેન્સ હોકી ટીમે ભૂતકાળના સુવર્ણ યુગની યાદો તાજા કરી અને મહિલા ટીમે પણ સેમિફાનલમાં પહોંચી કરોડો ભારતીયનું દિલ જીત્યું તે બંને હોકી ટીમને ત્રણ વર્ષ પહેલા સ્પોન્સરશીપના પણ ફાંફા હતા.. આપણે હોકી ટીમના પ્રદર્શન પર ગૌરવ કરી છીએ અને કરવું જોઈએ.. પણ આ હોકી ટીમને કોઈ એક રાજ્ય સ્પોન્સર કરી રહ્યું છે અને એ પણ જાહેરાતોના પાટીયા અને ખોટા ઢોલ નગારા વગાડ્યા વગર.
ભારતનું ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યુ. ટ્રેક ફિલ્ડમાં નીરજ ચોપડાનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ. 41 વર્ષ બાદ હોકીમાં મેડલ અને એક જ ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ.. ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓના જુસ્સાએ નવા અધ્યાયને જન્મ આપ્યો છે.. જોકે, હજૂ પણ સમય સાથે ઘણા બદલાવની જરૂર છે.. અત્યારથી જ આગામી પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ અને ટેલેન્ટેડ ખેલાડીઓને મહત્વ અને સપોર્ટ મળે તો ઓલિમ્પિક મેડલ ટેલીમાં આપણું સ્થાન વધુ સુધરી શકે.
Comments
Post a Comment