5 Pros and Cons of Union Budget 2020-21 / બજેટની 5 સારી અને 5 ખરાબ વાતો

 બજેટ આવી ગયું છે. સરકારે કૃષિ, ખેતી સહિતના માળખાગત સુવિધાઓ, આરોગ્ય સેવાઓ સહિત અનેક મોટી જાહેરાતો કરી છે. બજેટમાં નવી યોજનાઓનું લોંચિંગ અને જૂની યોજનાઓને ચાલુ રખવાનું સામેલ છે. અમે કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્મા, ક્રેડાઇના રાષ્ટ્રીય અધ્યક્ષ જક્ષય શાહ, સ્પેસ ઇન્ડિયા ગ્રુપના સીએમડી રાકેશ યાદવ અને મિગસન ગ્રુપના એમડી યશ મિગલાની સાથે બજેટને લઈને વાત કરી. આ નિષ્ણાતોના અભિપ્રાયના આધારે અમે આપને બજેટ વિશે 5 સારી વાતો જણાવી રહ્યા છીએ.


બજેટમાંથી 5 સારી વાતો

1. PM આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના: સરકારે બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. આમાં 64,180 કરોડ રૂપિયાની નવી PMઆત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના સામેલ છે. આ યોજના 70 હજાર ગામોમાં વેલનેસ કેન્દ્રોને મદદ કરશે.

  • રૂ. 35 હજાર કરોડ કોરોના વેક્સિન માટે. મિશન ન્યુટ્રિશન 2.0 લોન્ચ થશે.
  • આગામી પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્ર પર 2.87 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

અસર: ગામડાઓમાં રહેતી દેશની 60%થી વધુ વસ્તીને લાભ થશે.


2- રેલ, રસ્તા, બસ અને મેટ્રો: સરકારે રેલ, બસ, રસ્તા અને મેટ્રોને લઈને મોટી જાહેરાતો કરી છે. શહેરી વિસ્તારોમાં 20 હજાર નવી બસો દોડાવવામાં આવશે. ટાયર-2 શહેરોમાં લાઇટ મેટ્રો અને નીયો મેટ્રો ચલાવવામાં આવશે. ઇટારસી-વિજયવાડા ખાતે ફ્યુચર રેડી કોરિડોર બનાવાશે.

  • આવતા વર્ષ સુધીમાં 8500 કિ.મી.ના માર્ગ પ્રોજેક્ટ ફાળવવામાં આવશે.
  • માર્ગ મંત્રાલયને રૂ. 1.18 લાખ કરોડ રૂપિયા, રેલ્વેને 1.1 લાખ કરોડ રૂપિયા મળ્યા.

અસર: આનાથી દેશવાસીઓને વધુ સારી અને વૈશ્વિક કક્ષાની પરિવહન સેવાઓ મળશે.


3. ઇન્કમ ટેકસમાં વધારો નહીં: કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો, જ્યારે ખર્ચમાં વધારો થયો. એવામાં ઇન્કમ ટેકસમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ સરકારે આવકવેરામાં વધારો કર્યો નથી.

  • કરદાતાઓ પર કોઈ વધારાનો ભાર નહીં આવે. નવા કરદાતાઓને પણ રાહત.
  • 75 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન કરદાતાઓને ટેક્સમાં છૂટ.

અસર: દેશમાં લગભગ 6 કરોડ કરદાતાઓ છે. આમાંથી, લગભગ 3 કરોડ વ્યક્તિગત કરદાતાઓ છે.


4. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ: સરકારે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન દ્વારા 7400 પ્રોજેક્ટ લાવવામાં આવશે. 13 સેક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઇંસેંટિવ (PLI) યોજના રજૂ કરવામાં આવશે.

  • આગામી 3 વર્ષમાં દેશભરમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે નવી બેંક બનાવવામાં આવશે.

અસર: દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને લોકો માટે રોજગારની તકો ઉભી થશે.


5- મહિલાઓ સસ્તી જ્વેલરી ખરીદી શકશે: જ્વેલરીની શોખીન મહિલાઓને મોટી રાહત મળી છે. સરકારે સોના-ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યુટીને 12.5% થી ઘટાડીને 7.5% કરી છે. જો કે સરકારે 2.5% નો વધારાનો ટેક્સ લગાવી દીધો છે.

  • હવે, સોના અને ચાંદીની આયાત પર કુલ 10.75% કસ્ટમ ડ્યુટી લાગશે.
  • કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાથી જ્વેલરીની કિંમતોમાં ઘટાડો થશે.

અસર: લગભગ 50 કરોડ મહિલા સસ્તા દરે ઘરેણાં ખરીદી શકશે.

દિવ્ય ભાસ્કરે અનેક દિગ્ગજો સાથે બજેટની ખરાબ વાતોને લઈને પણ ચર્ચા કરી હતી. આ લોકોએ અમારી સાથે તેમની વાત શેર કરી, પણ નામ પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો હતો. આ વાતચીતના આધારે અમે તમને બજેટની પાંચ ખરાબ બાબતો પણ જણાવી રહ્યા છીએ.



બજેટની 5 ખરાબ વાતો


1- નોકરીઓ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી: સરકારે બજેટમાં ઇન્ફ્રાની મોટી-મોટી જાહેરાતો કરી છે. પરંતુ તેમાં રોજગારની પરિસ્થિતિ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જેથી યુવાનોને નોકરી અને રોજગારનું સપનાને ધક્કો લાગ્યો છે. જો કે સરકારે 1.5 લાખ નોકરીઓનિ જાહેરાત કરી છે.

  • યુવાનોને રોજગાર કેવી રીતે મળશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
  • સરકારી નોકરીઓ અંગે યુવાનો ફરી નિરાશ થયા.

અસર: લગભગ 20 કરોડ લોકો નિરાશ થયા છે. તેમાં નોકરીની આશા રાખી રહેલા આશરે 4 કરોડ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.


2. ખેડુતોની આવક વધારવા પર કોઈ ધ્યાન નહીં: આગામી વર્ષે ખેતીમાં 1.72 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 1 હજાર નવી મંડી, કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC) માટે એગ્રી ફંડ, 5 નવી ફિશિંગ હબ અને ગ્રામીણ ઇન્ફ્રા પર 40 હજાર કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  • ખેડૂતોની આવક વધારવા પર કોઈ ધ્યાન નથી. પીએમ કિસાનની રકમમાં કોઈ વધારો નહીં.
  • ખેડુતો માટે જાહેર હિતની યોજનાઓ અને આવક પર વિચાર માટે કમિશનની રચના નહીં.

અસર: આશરે 14 કરોડ ખેડૂતોને આવકનિ બાબતે નિરાશ થયા છે.


3. ઘરનું સ્વપ્ન ફરીથી અધૂરું: કોરોના વાઇરસ મહામારીએ પોતાના ઘરનું મહત્વ વધારી દીધું છે. એવામાં નવું ઘર ખરીદવામાં છૂટની અપેક્ષા કરવામાં આવી રહી હતી પરંતુ પોતાના ઘરનું સ્વપ્ન જોનારા લોકો ફરી નિરાશા મળી છે.

  • ઘરની ખરીદી પર છૂટ સંબંધિત કોઈ નવી યોજના નહીં. નવી આવાસીય યોજના પણ ચુકાઈ ગઈ.
  • સસ્તા મકાન ખરીદવા પર 1 વર્ષ માટે 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટ વધારાઈ.

અસર: પોતાના ઘરની રાહ જોઈ રહેલા આશરે 5 કરોડ પરિવારોએ વધુ રાહ જોવી પડશે.


4. કમાણીનો રોડ મેપ નહીં, ઉધારી પર ભાર: સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 34.83 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. પરંતુ બજેટમાં કમાણી માટે કોઈ રોડમેપ જણાવવામાં આવ્યો નથી. સરકારે આ વખતે ઉધાર લેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

  • આવતા વર્ષ માટે સરકારે 12 લાખ કરોડ રૂપિયાની લોન લેવાનું લક્ષ્ય રાખ્યું છે.
  • ટેક્સ દ્વારા 22 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

અસર: આનાથી દેશના અર્થતંત્ર પર બોજો આવશે. લોનના વ્યાજની ચુકવણી કરવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે.


5- સરકારી સંપત્તિના વેચાણ પર ભાર: આ બજેટમાં સરકારી સંપત્તિના વેચાણ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે સરકાર બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બીઈએમએલ, પવન હંસ, નિલાંચલ ઇસ્પાત કોર્પોરેશન લિમિટેડને વેચવા માંગે છે.

  • બે સરકારી બેંકો અને એક સરકારી વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે.
  • સંપત્તિ વેચવાથી મળનારી રકમનું લક્ષ્યાંક ઘટાડીને રૂ. 1.75 લાખ કરોડ કર્યું.

અસર: આ પગલાથી યુવાનો માટે સરકારી નોકરીની તકો ઓછી થશે અને ખાનગીકરણને પ્રોત્સાહન મળશે.

Comments